Sunday, January 14, 2024

મકર સંક્રાંતિ...

મકર સંક્રાંતિ...... 
મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી. આ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે. મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે. મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.
આનંદ અને પતંગનો તહેવાર મકરસંક્રાંતિ પતંગ મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે. ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે. મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને (સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.

No comments:

Post a Comment