Showing posts with label વઢવાણ શહેરમાં આવેલી"માધાવાવ" ની ઐતિહાસિક જાણકારી..... Show all posts
Showing posts with label વઢવાણ શહેરમાં આવેલી"માધાવાવ" ની ઐતિહાસિક જાણકારી..... Show all posts

Thursday, May 04, 2023

વઢવાણ શહેરમાં આવેલી"માધાવાવ" ની ઐતિહાસિક જાણકારી....

વઢવાણ શહેરમાં આવેલી ઐતિહાસિક માધાવાવની ઐતિહાસિક ..........  
"માધાવાવ" મિત્રો આજે આપણે ઐતિહાસિક વઢવાણ શહેરની મુલાકાતે શીએ.. અને વઢવાણ શહેરમાં આવેલી ઐતિહાસિક માધાવાવ કે જ્યાં પ્રજાના સુખ અને કલ્યાણ માટે ઈ.સ. ૧૨૭૫ ના વાઘેલા સોલંકી રાજા સારંગદેવ ના મંત્રી શ્રી માધવ ના પુત્ર અને પુત્રવધુ એ સ્વૈચ્છિક બલિદાન આપ્યાંની દંતકથા સંકળાયેલી છે.. મિત્રો જળસંગ્રહ પ્રણાલીઓમાં “વાવ” એક વિશિષ્ટ મહત્વ ધરાવતું અંગ છે.. ગુજરાત અને રાજસ્થાનમાં “વાવ”, “વાવડી” કે પછી “વાય” તરીકે ઓળખવા માં આવતી સામાન્ય અને સહજતાથી જોવા મળે છે.. આ માનવ નિર્મિત જળસંગ્રહો માં "વાવ' ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, ભાગ્યે જ કોઈ વાય એવી હશે કે જેમાં દેવ - દેવસ્થાન બીરાજમાન ન હોય.. અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ વાવ આગવું મહત્વ ધરાવે છે.. વાવના નિર્માણ કાર્યને લગતાં અનેક ઉલ્લેખો વાસ્તુશાસ્ત્રમાં મળી આવે છે... વાસ્તુશાસ્ત્રના આધારે વાવનાં ચાર પ્રકાર પાડવામાં આવેલા છે જેમાં એક (૧) નંદા પ્રકારની વાવ – કે જેમાં ફક્ત એક પ્રવેશદ્વાર હોય છે અને બીજો.. (૨) ભદ્રા પ્રકારની વાવ – કે જેમાં બે પ્રવેશદ્વાર હોય છે અને ત્રીજો.. (૩) જયા પ્રકારની વાવ – કે જેમાં ત્રણ પ્રવેશદ્વાર હોય છે અને છેલ્લો (૪) વિજયા પ્રકારની વાવ – કે જેમાં ચાર પ્રવેશ દ્વાર હોય છે.. ➜ જો કે આમા સુરેન્દ્રનગર જીલ્લામાં, નંદા પ્રકારની વાવ સૌથી વધારે જોવાં મળે છે.. વઢવાણમાં વાઘેલા યુગના પ્રથમ રાજવી, વિસલદેવ ના મહારાણી નાગલ્લદેવી ના દાસી લાખુબાઈ ના નામ પરથી બંધાવેલી લાખુવાવ જે લાખુ પોળ દરવાજા ની બહારના ભાગે આવેલી છે.. જ્યારે રાજા સારંગદેવના મહારાણી એ દાસી ગંગાબાઈ ના નામ પરથી ગંગાવાવ બંધાવેલી.. જે શિયાણી પોળ દરવાજા ની બહારના ભાગે આવેલી છે.. ➜ માધાવાવ સુરેન્દ્રનગર શહેરથી માત્ર ૩ કિલોમીટરના અંતરે આવેલ વઢવાણ શહેરની સલાટ શેરીમાં,. વટકેશ્વર મહાદેવની બાજુમાં સ્થિત છે... સૌરાષ્ટ્ર ની આ ભોમકા એટલે ઈતિહાસ, બલીદાન અને પ્રજાવત્સલ રાજવી ની ગાથા ને વર્ણવતી ભોમકા.. આ ધરતી પર અતિત અને વર્તમાન એમ બંને પ્રકારના કિસ્સાઓ અંકિત છે. વઢવાણના રાજા સારંગદેવનાં મંત્રી માધવના પુત્ર અને પુત્રવધુ એ પ્રજાના સુખ અને કલ્યાણ માટે સજોડે સ્વૈચ્છિક જળસમાધિ લીધી હતી.. બાકી આજના સમયમાં તો ફક્ત એક બીજા ના પ્રેમમાં આપઘાત કરવા વાળા જ જોવા મળે છે.. વઢવાણના રાજમાં પ્રજાના સુખ માટે માધવના પુત્ર અને પુત્રવધુએ જળસમાધી લીધાના દ્રષ્ટાંત ઈતિહાસના પાને આજે પણ અમર છે.. પ્રજાને પાણીનાં સુખ માટે બલિદાન આપનાર દંપતીના ઈતિહાસ ની વાત કરીએ તો રજવાડાના વખતમાં વઢવાણ શહેરમાં પાણીની તંગી ને પહોંચી વળવા, સંવત 1225 નાં ફાગણ સુદ છઠ્ઠના દિવસે વાવ ગળાવાની શરુઆત થઈ હતી... 12 (બાર- બાર) વર્ષના પ્રયાસો છતાં વાવ મા પાણી ન થતાં રાજ જ્યોતિષે તેનો ઉપાય સુચવ્યો કે કોઈ દંપતીનો વાવમાં ભોગ આપવા મા આવે તો પાણી થઈ શકે તેમ છે.. પરંતુ પ્રજામાંથી કોઈ દંપતી ભોગ આપવા માટે તૈયાર ન થયું.. ત્યારે આ વાત કુંવર અભેસંગ નાં કાને પહોંચી, ત્યારે કુંવર અભેસંગે વઢવાણની પ્રજાના સુખ માટે ખુશીથી આ બલિદાન આપવાની તૈયારી બતાવી.. અભેસંગ ના રાણીએ પણ નાનકડા કુંવરને પરિવારને સોંપી પતિ સાથે સોળે શણગાર સજી વાવમાં જળસમાધિ લીધી . આ સમયે હજારોની સંખ્યામાં વઢવાણની જનમેદની ત્યાં હાજર હતી.. ઐતિહાસિક માધાવાવ ૭૫૦ વર્ષ પૂર્વે રાજા સારંગદેવ વાઘેલા ના કારભારી મંત્રી માધવે બંધાવી હતી.. ૧૩૦ ફૂટ લાંબી અને ૧૪૦ ફૂટ ઊડી, અને માધાવાવ ની ઉપર ૬ મતવાળા ની સાથે ૧૦૦ થી વધારે તો પગથિયા આવેલા છે. સ્વૈચ્છિક બલિદાનના ઈતિહાસ વિશે કહેવાય છે કે કુંવર અને રાણીએ જ્યારે વાવના પહેલા પગથિયે સજોડે પગ મૂક્યાં ત્યાંતો વાવના તળિયે પાણી ચમક્યા.. અને જેમજેમ પગથિયાં ઉતરતાં ગયાં તેમ પાણી વધતાં ગયાં.. અને સાતમે પગથિયે પગ મૂકતાંની સાથે બંને જળમાં ગરકાવ થયા અને સ્વેચ્છાએ જળસમાધિ લય પોતાના દેહનાં બલિદાન આપ્યાં.. વાવમાં પાણીની ધારાઓ વછૂટવા લાગી.. પરંતુ સવાલ એ ઉભો થયો કે જીવતાં જળસમાધિ લય પ્રાણના બલિદાન આપ્યાં એટલે આ પાણી ગોઝારા થયાં હવે આ પાણી પબ્લિક કય રીતે પિયે.. ત્યારે દાદાના એક હુંકારે કુંવર અને રાણીએ વાવમાંથી અવાજ દીધો.. અને પોતે અમર તત્વ ને પામ્યા હોવાનાં પ્રમાણ આપ્યાં.. ઇતિહાસ આજે પણ આ વાતની સાક્ષી પુરે છે.. વઢવાણના લોકો કહેશે કે જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આજે પણ મોડીયો અને ચુંદડી તરતી દેખાય છે.. આજે પણ વઢવાણમાં આ માધાવાવ આવેલી છે , જેમાં પાણી ક્યારેય નથી ખૂટતાં.. પ્રજા માટે રાજકુંવર અને રાણીએ આપેલાં આ બલિદાન ઉપરથી લોકગીતો અને નાટકો પણ ઘણા રચાયા છે.. આ વાવની દંતકથા પર આધારિત ગુજરાતી ફિલ્મ વણઝારી વાવ ( ૧૯૭૭ ) માં દર્શાવવામાં આવી હતી... આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે... ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત પણ સમાવી લેવાયું છે... (૧) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં , નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૨) તેડાવો જાણતલ, તેડાવો જોશીડા, જોશીડા જોષ જોવી આલો જીરે... (૩) જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૪) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે...૨ (૫) ઘોડલાં ખેલવતા વીર રે અભેસંગ, દાદાજી બોલાવે જીરે... (૬) શું રે કહો છો મારા સમરથ દાદાજી, શા કારણ બોલાવ્યા જીરે... (૭) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૮) જાણતલ જોષી બેટા એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૯) એમાં તે શું મારા સમરથ દાદાજી, પારકી જણીને પૂછી આવો જીરે... (૧૦) બેટડો ધવરાવતા વહુ રે વાઘેલી વહું, સાસુજી બોલાવે જીરે... (૧૧) શું રે કહો છો મારા સમરથ સાસુજી, શા માટે બોલાવ્યા જીરે... (૧૨) જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૧૩) એમાં તે શું મારા સમરથ સાસુજી, ચુંદડી ને મોડીયો લઈ આવો જીરે... (૧૪) આવો આવો રે મારા દિકરા રે માનસંગ, છેલ્લા ધાવણ તમે ધાવો જીરે... (૧૫) ઊઠો ઊઠો રે મારા સમરથ દાદાજી, ઝાઝી ના ઢોલ વગડાવો જીરે... (૧૬) પાછું વાળીને તમે જોવો રે અભેસંગ, ઘોડલાં કોણ ખેલવશે જીરે.. (૧૭) એરે શું રે પુછો મારા સમરથ દાદાજી, નાનો ભાઈ ખેલવશે જીરે... (૧૮) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૧૯) પાછું વાળીને તમે જુઓ રે વાઘેલી વહું, પુતર કોને ભળાવ્યા જીરે... (૨૦) કોણ ધવરાવ છે ને કોન રમાડ છે, કોણ એને ઉછેર છે જીરે... (૨૧) દેરાણી ધવરાવ છે ને નણંદી રમાડ છે, જેઠાણી ઉછેર છે જીરે... (૨૨) પે'લે પગથિયે પગ રે જ્યાં મુક્યો, તળીયે પાણી તબક્કીયા જીરે... (૨૩) બીજે પગથિયે પગ રે જ્યાં મુક્યો, કાંડા સમાણા નીર આવ્યા જીરે.. (૨૪) ત્રીજે પગથિયે પગ રે જ્યાં મુક્યો, કેડ સમાણા નીર આવ્યા જીરે... (૨૫) ચોથે પગથીયે પગ રે જ્યાં મુક્યો, છાતી સમાણા નીર આવ્યા જીરે... (૨૬) પાંચમે પગથિયે પગ રે જ્યાં મુક્યો, પરવશ પડિયા એના પ્રાણલા જીરે... (૨૭) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૨૮) એક રે હોંકારો તમે દિયો રે અભેસંગ, ગોઝારા પાણી કોન પીશે જીરે... (૨૯) એક રે હોંકારો તમે દિયો વાઘેલી વહું, ગોઝારા પાણી કોન પીશે જીરે... (૩૦) પીશે પશુડા ને પીશે પંખીડા, પીશે વઢવાણના લોકો જીરે... (૩૧) તરી છે ચુંદડી ને તર્યો છે મોડિયો, તરી અભેસંગ ની દેહુ જીરે... (૩૨) ગાતાં ને વાતા ઘરમાં રે આવ્યા, ઓરડે ભણકારા વાગે જીરે... "માધાવાવ" ના ઈતિહાસને દર્શાવતો વિડિયો પણ YouTube અને Facebook Page "Bharatkhand Darshan" પર છે જે તમે નિહાળી શકો છો.. લેખન શૈલેષ પંચાલ.